નવી દિલ્હી: સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં આ વખતે ડાન્સ દ્વારા રેમો ડિસૂઝા દર્શકો માટે કઈક અલગ લઈને આવ્યા છે. વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુ દેવા સહિત અનેક ડાન્સર્સની આ ફિલ્મ ડાન્સના મામલે બિલકુલ પરફેક્ટ છે. ફિલ્મનું વિઝ્યુઅલાઈઝેશન, ઈફેક્ટ્સ અને મ્યુઝિક ગજબના છે. ડાન્સ બેટલનું સ્ટેજ અને ફિલ્મમાં દેખાડવામાં આવેલા તમામ લોકેશન્સ ગજબના છે. ક્લાઈમેક્સ સીનનો ડાન્સ એક પ્રકારે વિઝ્યુઅલ ટ્રીટ છે. ફિલ્મની કહાનીની સાથે એક મેસેજ પણ અપાયો છે જે ભારતીય દર્શકોની સાથે સાથે પાકિસ્તાનને પણ ખુબ પસંદ આવવાનો છે.
સ્ટાર કાસ્ટ: વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા અને નોરા ફતેહી
નિર્દેશન: રેમો ડિસૂઝા
નિર્માતા: ભૂષણ કુમાર, કૃષ્ણકુમાર, અને લિઝૈલ ડિસૂઝા
સ્ટાર-3
વાર્તા
ફિલ્મની કહાની લંડનથી શરૂ થાય છે. જ્યાં સ્ટ્રીટ ડાન્સર્સ રહે છે. સ્ટ્રીટ ડાન્સર્સની ટીમને લીડ એનઆરઆઈ સહજ (વરુણ ધવન) કરે છે. જે પોતાના ભાઈ (પુનિત પાઠક)ના ડાન્સના સપનાને ચાલુ રાખે છે. ભારતથી પૈસા મેળવ્યા બાદ સહજ લંડનમાં પોતાના ભાઈના ડાન્સ ગ્રુપને ચલાવીને તેનું સપનું પૂરું કરવા માંગે છે. સ્ટ્રીટ ડાન્સર્સની ટક્કરમાં એક વધુ ગ્રુપ છે જે છે રૂલ બેકર્સનું. જેની લીડર છે ઈનાયત એટલે કે શ્રદ્ધા કપૂર.
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર એક પાકિસ્તાની યુવતીના રોલમાં છે. સહજ અને ઈનાયત એકબીજાને બિલકુલ પસંદ કરતા નથી. સહજનું ડાન્સ ગ્રુપ ઈન્ડિયાનું હોય છે જ્યારે ઈનાયતનું પાકિસ્તાનથી. ફિલ્મમાં આગળ જઈને મિયા એટલે કે નોરા ફતેહીની એન્ટ્રી થાય છે. મિયા બ્રિટનની સૌથી દમદાર ડાન્સ ટીમ એટલે કે ધ રોયલ્સનો ભાગ છે. જેને સ્ટ્રીટ ડાન્સર્સ સહજ એટલે કે વરુણ ધવન જોડે પ્રેમ હોય છે.
ફિલ્મમાં સહજ અને ઈનાયતના ડાન્સ બેટલને લઈને નોકઝોક થતી રહે છે. જે ચાલતી રહે છે. રામ પ્રસાદ એટલે કે પ્રભુદેવાના રેસ્ટોરામાં જ્યાં સ્ટ્રીટ ડાન્સર્સ (ભારતીય ડાન્સર્સ) અને રૂલ બેકર્સ (પાકિસ્તાની ડાન્સર્સ) છાશવારે ભારત-પાકિસ્તાનની મેચ જોવા આવતા હોય છે. સહજ અને ઈનાયત બંને પોત પોતાની ટીમ માટે ચીયર્સ કરતા હોય છે અને મેચ દરમિયાન શાબ્દિક યુદ્ધ પણ છેડાતું હોય છે.
ત્યારબાદ ફિલ્મમાં શરૂ થાય છે ડાન્સની સૌથી મોટી બેટલ. સહજનો ભાઈ તેને જણાવે છે કે તેનું સપનું છે કે ઝીરો ગ્રાઉન્ડ ડાન્સ બેટલ તે જીતે આથી સહજ આ હરિફાઈમાં ભાગ પણ લે છે. સહજ ટીમના ત્રણ લોકોને છોડીને ગર્લફ્રેન્ડ મિયા સાથે બ્રિટનની સૌથી દમદાર ડાન્સ ટીમ ધ રોયલ્સ ડાન્સ ગ્રુપને જોઈન કરે છે. આ બાજુ ઈનાયત પણ આ હરિફાઈમાં આવે છે કારણ કે તેને રામપ્રસાદ (પ્રભુદેવા)ની એક સચ્ચાઈ ખબર પડે છે.
ઈનાયત એક ખુબ જ સારા કામ માટે આ ડાન્સ કોમ્પિટિશનથી પૈસા કમાઈને લોકોની મદદ કરવા માંગે છે. બસ ત્યારથી શરૂ થાય છે ઝીરો ગ્રાઉન્ડ બેટલને જીતવાનો જંગ. હવે આ બધા વચ્ચે શું શું થાય છે અને કોણ આ કોમ્પિટિશન જીતે છે તે તો તમને ફિલ્મ જોઈને જ ખબર પડશે.
સંગીત
ફિલ્મનું મ્યુઝિક શાનદાર છે. ફિલ્મના ગીતો પહેલેથી હીટ થયેલા છે. ફિલ્મનું સંગીત સચિન-જીગર, બાદશાહ, તનિષ્ક બાગચી અને ગુરુ રંધાવાએ તૈયાર કર્યું છે. ફિલ્મમાં અનેક ગીતો છે અને લગભગ બધા સારા છે. જો કે રિલીઝ કેટલાક જ થયા છે. ફિલ્મમાં 'લગદી લાહોર દી' ગીત આ ફિલ્મમાં કેમ લેવામાં આવ્યું છે તે તો તમને ફિલ્મ જોઈને જ ખબર પડશે.
ડાઈરેક્શન
ફિલ્મનું ડાઈરેક્શન રેમો ડિસૂઝાએ કર્યું છે. ડાન્સ પર બેસ્ડ રેમોની આ ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ તે એબીસીડી, એબીસીડી 2 બનાવી ચૂક્યો છે. એબીસીડી 2 બાદ વરુણ અને શ્રદ્ધા સાથે આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં રેમોનું ડાઈરેક્શન થોડું ધીમું લાગે છે પરંતુ જ્યાં ડાન્સની વાત કરીએ તો આ ફિલ્મથી રેમોએ બધાના મન જીત્યા છે.
એક્ટિંગ
વરુણ ધવને સારું કામ કર્યું છે પરંતુ ક્યાંક તે ડાઈલોગ્સમાં ચૂક્યો છે. આવું જ કઈંક બાકી લોકો સાથે પણ થયું છે. પરંતુ ફિલ્મમાં ધર્મેશ યેલાંડેએ બધાના મન જીત્યા છે. ધર્મેશના ડાઈલોગ્સ અને તેમની કોમિક સેન્સ કમાલની લાગે છે. શ્રદ્ધા કપૂરે પણ સારું કામ કર્યું છે. પ્રભુદેવા લોકો વચ્ચે જગ્યા બનાવવામાં કામયાબ રહ્યાં છે. પરંતુ આ બધા પર જો કોઈ ભારે પડતું હોય તો તે છે નોરા ફતેહી. નોરા જ્યારે પણ સ્ક્રિન પર આવી છે ત્યારે કમાલ કરી ગઈ છે. હોટ ડાન્સ મૂવ્ઝથી નોરા બધાના મનમાં વસી ગઈ છે. વરુણ અને શ્રદ્ધા પર તે ભારે પડી છે. અભિનય તો ખબર નહીં પરંતુ હાં ડાન્સ દ્વારા તેણે બધાની બોલતી બંધ કરી દીધી છે.
જુઓ LIVE TV
નબળી કડી
ફિલ્મની શરૂઆતમાં જ તમને ખબર પડી જાય કે હવે પછી કઈક દમદાર થશે પરંતુ હકીકતમાં એવું થતું નથી. ફિલ્મની સૌથી મોટી યુએસપી તેનો ડાન્સ છે અને જ્યારે જ્યારે સ્કીન પર ડાન્સ આવ્યાં છે કમાલ થયો છે. પરંતુ કહાનીના મામલે નિરાશા સાપડી છે. ફિલ્મને સારી રીતે રજુ કરી શકાય તેમ હતી. ફિલ્મ જોયા બાદ લાગે કે ક્યાંકને ક્યાંક એબીસીડી 1 અને 2ની પણ યાદ આવે. ફિલ્મની રાઈટિંગ અને ડાઈલોગ્સ વધુ સારા થઈ શકે તેમ હતાં. ફિલ્મમાં ઝરીના વહાબ અને અપારશક્તિ ખુરાના જેવા કલાકારોને વધુ સ્ક્રિન સ્પેસ આપી શકાય તેમ હતી. ડાન્સના મામલે ફિલ્મના જેટલા વખાણ કરીએ તે ઓછા છે પરંતુ ફિલ્મ વાર્તા અને કલાકારોના તાલમેળમાં થાપ ખાઈ ગઈ છે. પરંતુ આમ છતાં ફિલ્મ ભારત-પાકિસ્તાનના લોકોને સારો સંદેશ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે